સૃષ્ટિનો સર્જનહાર ભગવાન છે, સૃષ્ટિમાં વસીને સૃષ્ટિનું સર્જન શી રીતે થઈ શકે? પ્રશ્ન મનમાં હોય તો આ લેખ તમારા માટે છે
માનવી પોતાના રોજિંદા વ્યવહારમાંથી નવરો પડે ત્યારે ઘણી વાતો વિચારતો હોય છે. તે કોઈ વાર ભગવાન વિશે પણ વિચારતો હોય છે કે આ સૃષ્ટિ નિર્માણ કોણે કરી? કઈ રીતે કરી હશે? એને વળી એવો પણ વિચાર આવતો હોય છે કે શાસ્ત્રોના મત મુજબ સૃષ્ટિ ભગવાને નિર્માણ કરી. ભગવાન તેનો સર્જનહાર છે અને તે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપીને રહ્યો છે. ત્યારે સહજ જ સવાલ થાય કે જો સર્જનહાર ભગવાન છે અને તે બધામાં વ્યાપીને રહ્યો હોય તો સર્જન કેવી રીતે કરી શકે?
સૃષ્ટિમાં વસીને સૃષ્ટિનું સર્જન!
ઘડાનું દ્ષ્ટાંત લઈ વિચાર કરીએ. ઘડાની ઉત્પત્તિ માટીમાંથી થઈ પણ તેને બનાવનાર કુંભાર છે ને? તો કુંભાર કોઈ માટીમાં રહેલો નથી. તે માટીથી - ઘડાથી અલગ છે. તેમ ભગવાન એ સૃષ્ટિનો સર્જનહાર. તો તે આ સૃષ્ટિથી અલગ હોય તો જ તેનું સર્જન કરી શકેને? તે સૃષ્ટિની અંદર વસ્યો હોય તો સર્જન શી રીતે થાય?
આ શંકાનું સમાધાન મુંડકોપનિષદમાં છે. શૌનક ઋષિએ મહર્ષિ અંગિરાને આવો જ પ્રશ્ર્ન પૂછ્યો હતો. તો અંગિરાઋષિએ કરોળિયાનું દ્ષ્ટાંત આપી સમજાવ્યું હતું કે જેમ કરોળિયો પોતાની લાળમાંથી જાળું બાંધે છે અને તે પાછું પોતાનામાં જ સંકેલી લે છે તેમ પરમાત્મા પણ પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે અને પ્રલય સમયે પોતાનામાં જ તે સંકેલી લે છે.
પણ તે સર્જન કઈ રીતે કરે છે તેનાં સાધનો વગેરે કયાં? તો તેનો ઉત્તર આપતાં ભગવાને ગીતામાં જ કહ્યું છે.
અષ્ટધા પ્રકૃતિ
भूपिरापोऽनलो वायु स्वं मनो बुद्धिरेव च।
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा॥
(અ. 7/4)
‘પૃથ્વી, પાણી, તેજ વાયુ આકાશ તથા મન, બુદ્ધિ અહંકાર એ આઠ પ્રકારે વહેંચાયેલી મારી પ્રકૃતિ સમગ્ર સૃષ્ટિમાં વહેંચાયેલી છે.’
ભૌતિક સૃષ્ટિ - એટલે કે જે નાશવંત છે - તે સૃષ્ટિ નિર્માણ કરનાર આ પ્રકૃતિ છે. તેને આપણે મહામાયા કહીએ છીએ.
પૃથ્વીના કણેકણમાં, પાણીના અણુપરમાણુમાં, તેમના પ્રત્યેક અંશમાં, વાયુ અને આકાશ - એ બધામાં જ ભગવાનની જ શક્તિ છે. ટૂંકમાં, આ સૃષ્ટિની તમામ વસ્તુઓ એ ઈશ્ર્વરરૂપ જ છે. ઈશ્ર્વરથી ભિન્ન નથી.
એ જ રીતે પ્રત્યેક પ્રાણીઓના મન, તમામની બુદ્ધિ, તમામના અહંકાર - એ બધું જ ઈશ્ર્વરમય છે અને માનવીના ઉત્કર્ષ માટે આ સમજણ હોવી જરૂરી છે કે સૃષ્ટિની કોઈ વાત તથા જે વિવિધતા દેખાય છે, તે બધામાં ઈશ્ર્વરની જ પ્રકૃતિ છે. મનુષ્યશરીર પણ પ્રકૃતિથી નિર્માણ થયું છે તેથી તે ઈશ્ર્વરનું છે અને માણસ કહે છે કે મારું! એ ઈશ્ર્વરનું હોવા છતાં માનવી તેના ઉપર ‘મમત્વ’ની મહોર મારે છે.
માનવીનું પોતાનું શું છે?
માનવી જેને પોતાનું કહે છે, તે ખરેખર માનવીનું પોતાનું હોય તો તેના ઉપર માનવીની સત્તા ચાલવી જોઈએને? પરંતુ વાસ્તવમાં તેમ નથી. માનવીની સત્તા ચાલતી હોત તો કોઈ દિવસ તે માંદો પડત જ નહીં? માંદગી કોઈને ય ગમતી નથી. માનવી ઘરડો થાય છે; ઘરડા થવું કોઈને ય ગમતું નથી. માનવી મરી જાય છે, મરવાનું પણ કોઈને ગમતું નથી.
શરીરના છ વિકારો છે. જન્મવું, દેખાવું, બદલવું, વધવું, ક્ષીણ થવું એટલે કે ઘટવું અને મરી જવું. આમાંની એક પણ વાત માનવીના હાથની નથી. માનવીએ એ સમજી લેવું જોઈએ કે સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે તે ઈશ્ર્વરનું રૂપ છે. ઈશ્ર્વરની પ્રકૃતિ છે. પરમાત્મા તે રીતે સમગ્ર સૃષ્ટિમાં વિલસી રહ્યો છે.
સકલ સૃષ્ટિમાં પરમાત્મા વિલસી રહ્યો છે
અને આ જ વાતને ભક્ત કવિ નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં વણી લઈને ગાયું છે -
‘અખિલ બ્રાંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું શૂન્યમાં શબ્દ થઈ રહે આકાશે;
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફસી રહ્યો આકાશે.’
નરસિંહ મહેતાની આ ચાર પંક્તિમાં પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ - એ પાંચ - પંચમહાભૂતોમાંથી નિર્માણ થયેલું આ સ્થૂલ રૂપ ભૌતિકજગત એ સમગ્ર ઈશ્ર્વરમય છે.
એટલું જ નહીં, પણ સૂક્ષ્મ જગત - જે દેખાતું નથી તે મન, બુદ્ધિ અને અહંકાર પણ ઈશ્ર્વરમય જ છે.
મનની શક્તિ પરમાત્માની છે
માનવીના મનમાં જે લાગણી થાય છે, ભાવના નિર્માણ થાય છે - સુખદુ:ખની અનુભૂતિ થાય છે તે કોના લીધે - કઈ શક્તિના લીધે થાય છે? મન તો જડ છે અને જડ પદાર્થ પોતાની શક્તિથી કશું કરવા સમર્થ નથી તો મનમાં નિર્માણ થતી આ બધી પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે? માનવીના મનમાં થતા સંકલ્પો-વિકલ્પો કઈ રીતે થાય છે? દુ:ખની-શોકની ભાવના અશ્રુરૂપે વહે છે - તે પણ આંખમાંથી અને હર્ષની પણ અશ્રુધારા વહે છે તે કોની શક્તિથી? તેને થતાં આકર્ષણો-અપાકર્ષણો કઈ રીતે થાય છે?
બુદ્ધિ અને શક્તિ પણ પરમાત્માની છે
માનવીની બુદ્ધિમાં લેવાના નિર્ણયો એ નિર્ણય લેવાની શક્તિ કોની છે? બુદ્ધિ તો જડ છે. માણસની બુદ્ધિમાં થતી વિચારણા - તેને ઓચિંતી થતી સ્ફુરણા - બુદ્ધિના માધ્યમથી થતું પ્લાનિંગ - એ બધું જે થાય છે તે કઈ શક્તિના જોરે?
માનવીનો અહં ઘવાય છે. નાનું બાળક તેની અભિવ્યક્તિ રડીને કહે છે અને આપણે મોટેરા ગુસ્સે થઈને. આ બધી પ્રક્રિયા કઈ શક્તિના લીધે થાય છે? આ જે કાંઈ બધું થાય છે તે ઈશ્ર્વરની શક્તિથી થાય છે પોતાનાની શક્તિથી થતું હોત તો માણસ ભૂલી શા માટે જાય? પોતાની શક્તિ હોત તો તેને ઓચિંતું સ્ફુરવાનું કારણ શું? એ ઓચિંતું જે થાય છે તે સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તે માણસની પોતાની શક્તિ નથી.
ટૂંકમાં પંચમહાભૂત - પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ - તથા મન, બુદ્ધિ અહંકાર એ તો ઈશ્ર્વરની અષ્ટધા પ્રકૃતિ છે. અને તેને સાધન બનાવી ઈશ્ર્વરે આ સૃષ્ટિ નિર્માણ કરી. આ તેની પ્રકૃતિ છે અને તે અપરા પ્રકૃતિ છે. તો આ અપરા પ્રકૃતિ કોના આધારે કાર્ય કરે છે તેનો વિચાર હવે પછી.